Rakshabandhan 2022: બળેવ એટલે કે રક્ષાબંધન, નાળિયેરી પૂનમનું મહત્વ અને પૌરાણિક કથા શું છે?
રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.અને આ દિવસે બહેન ભાઈના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. અને તેના લાંબા અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન માટે ભગવાનને પૂજા-અર્ચના કરે છે.
Rakshabandhan 2022: રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.
રક્ષાબંધનનો શું અર્થ છે:
મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
શું છે પૌરાણિક કથા:
1. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. “કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો! મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા! રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે.
2. રાજા બલિ અને માતા લક્ષ્મીની કથા સૌથી વધુ પ્રચલિત છે. ધાર્મિક કથા પ્રમાણે પાલાળ લોકમાં રાજા બલિને ત્યાં બંદી થયેલા દેવતાઓની મુક્તિ માટે માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી હતી. રાજા બલિએ પોતાની બહેન માતા લક્ષ્મીને ભેટ સ્વરૂપે તમામ દેવતાઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. જોકે રાજા બલિએ દેવતાઓને મુક્ત કરવા માટે એ શરત મૂકી હતી કે દેવતાઓને વર્ષના ચાર મહિના આ પ્રમાણે કેદમાં રહેવું પડશે. આથી બધા દેવતા અષાઢ શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી કાર્તિક શુક્લ પક્ષની દેવઉઠી એકાદશી એટલે ચાર મહિના સુધી પાતાળ લોકમાં નિવાસ કરે છે. આ દરમિયાન માંગલિક કાર્ય કરવા યોગ્ય માનવામાં આવતા નથી.
3. મધ્યકાલીન યુગમાં રાજપૂત અને મુગલોની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. એવામાં ગુજરાતના સુલ્તાન બહાદુરશાહે ચિતોડ પર હુમલો કરી દીધો હતો. રાજપૂત અને મુગલોના સંઘર્ષની વચ્ચે રાણી કર્ણાવતીએ મુગલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલીને પોતાની અને પ્રજાની સુરક્ષાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારે હુમાયુએ રાણી કર્ણાવતીનો પ્રસ્તાવ સ્વીકાર કરીને પોતાની બહેનની રક્ષા કરી અને તેમની રાખડીનું સન્માન રાખ્યું.
રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે:
દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા સાગરખેડુઓએ નારિયેળી પૂનમની ઉજવણી કરી દરિયા દેવ અને હોડીની પૂજા કરે છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે. સમાજની પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે અને દરિયા દેવને ઠંડા કરી દરિયામાં માછલી પકડવા જતાં હોય છે. આ રીતે દરિયા દેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. સાથે સાથે તમામ માછીમારો દ્વારા હોડીની પણ પૂજા કરવામાં આવતી હોય છે.
રક્ષાબંધનની પૂજા વિધી કઈ રીતે કરશો:
રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે એક થાળીમાં ચંદન, અક્ષત, દહીં, રાખી, મિઠાઈ અને ઘીનો એક દીપક રાખો. પૂજાની થાળીને સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો. તેના પછી ભાઈને પૂર્વ કે ઉત્તર તરફથી મોં રાખીને બેસો. પહેલા ભાઈના માથા પર તિલક લગાવો. પછી રક્ષાસૂત્ર બાંધીને આરતી કરો. ત્યારબાદ મિઠાઈ ખવડાવીને ભાઈના લાંબા આયુષ્યની મંગલ કામના કરો. રક્ષાસૂત્ર બાંધવાના સમયે ભાઈ અને બહેનનું માથું ખુલ્લું ન રહેવું જોઈએ. રક્ષાસૂત્ર બાંધ્યા પછી માતા-પિતાના આશીર્વાદ લો અને બહેનના પગે લાગીને તેને ભેટ આપો.